ભારત અત્યારે વૈશ્વિક સ્તરે ઉભરી રહ્યું છે. વિકાસની સાથો-સાથ ભારતીયોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ ભારતીયો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે.
મીડિયા જગતને વિશ્વની ચોથી જાગીર ગણવામાં આવી છે. ભારતિય બંધારણની જોગવાઈઓમાં મીડિયાને કેટલીક છૂટછાટો અને સત્તા આપવામાં આવેલી છે. જેના સહારે સમાજમાં બનતી ઘટનાઓ, સારી-નઠારી બાબતો, પોતાના માધ્યમ દ્વારા સમાજ સમક્ષ પ્રસ્તુત કરી શકે. આ કારણથી જ સમાજમાં પત્રકાર “કલમવીર”નાં નામથી પ્રચલીત બન્યો છે.
સાહિત્ય અને પત્રકારત્વ સાથે જોડાયેલા મિત્રો સારી રીતે જનતા હશે કે, પહેલાના સમયમાં પત્રકારો જ અખબારના માલિક હતા. આથી તેઓ પત્રકારની ભાવના, સંવેદનાઓને સમજી શકતા હતા અને યોગ્ય ન્યાય કરી શકતા હતાં. આજે યુગ બદલાયો છે. પત્રકારત્વનું ક્ષેત્ર વિશાળ બન્યું છે પરંતુ પત્રકાર વામણો થતો ગયો છે. અખબાર કે ન્યુઝ ચેનલનું સંચાલન ધીરે-ધીરે કોર્પોરેટ ક્ષેત્રના હાથમાં સારી રહ્યું છે, પરિણામે તંત્રી કે પત્રકારના પાવર્સ, દબદબો ઓસરી રહ્યા છે અને મેનેજમેન્ટનો પ્રભાવ વધી રહ્યો છે.. આ સંજોગોમાં પ્રિન્ટ કે ઈલેકટ્રોનીકસ મિડિયાનું દરેક ક્ષેત્રમાં વજન ઘટી રહ્યું છે.
આ બાબતોથી સાચા પત્રકારો હંમેશા દુભાયેલા રહે તે હકીકત છે. પરિણામે આજે આપણે જોઈએ છીએ તેમ ફૂટબોલની માફક પત્રકારો એક-બીજી સંસ્થામાં ફંગોળાતા રહે છે.
ભાવનગર ખાતે અમોએ “સીટી વોચ” નામની ન્યુઝ ચેનલ શરૂ કરી આજે ટૂંકા ગાળામાં ૨૪ કલાક પ્રસારણ કરવા સક્ષમ બન્યા છીએ, આ ચેનલ સાથે સંકળાયેલા અમે તમામ પત્રકારો છોએ અને અમારામાં રહેલા પત્રકારત્વને સમાજ સક્ષમ નિડરતાથી, નિખાલસતાથી કોઈને શેહ-શરમ વગર રજુ કરી શકીએ તેવા ઉદ્દેશથી પત્રકારોની પત્રકારો માટેની જ સીટી વોચ નામની સંસ્થાનો પ્રારંભ કર્યો.
હંમેશા નવી લીટી દોરવી અને તે લીટીને વધુમાં વધુ લાંબી કરવી એ અમારો મૂળ મંત્ર છે. લોકલ ન્યૂઝ ચેનલને વિશ્વ બજારમાં ગુજરાતીઓ માણી શકે તે ઉપરાંત ભાવનગર જ નહીં પરંતુ રાજ્ય અને દેશમાં બનતી રોજીંદી ઘટનાઓને આજના વિજાણું માધ્યમના સથવારે વિશ્વ સમક્ષ મૂકવા માટે બહું ટૂંકાગાળામાં ઓછા છતાં મક્કમ આયોજન સાથે “સીટી વોચ અસ્સલ ગુજરાતી” નામનું અમારી કાઠીયાવાડી શૈલીનું ઈ-પેપર શરૂ કર્યું.
અષાઢી બીજાના પવિત્ર દિવસથી ભાવનગરના સમાચાર સાથેના ચાર પાનાથી અમારા ઈ-પેપરનો પ્રારંભ થયો છે અને આગળ જતા રાજ્ય કક્ષાની મુખ્ય આવૃત્તિ ઉપરાંત અન્ય જીલ્લાની પેટા આવૃત્તિઓ, તેમજ રાજ્યના નામાંકિત લેખકોની કોલમોને પણ સ્થાન આપીને આ વિજાણું અખબારને માતબર બનાવવાની અમારી નેમ છે.
વ્યવસ્થા તંત્ર સુચારૂ રીતે ચાલે તે માટે સંસ્થાના દરેક મિત્રોને જુદી-જુદી કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે, આમ છતાં તમામ મિત્રો “સીટી વોચ” સંસ્થના ધરોહર છે અને રહેશે.
પત્રકાર આલમમાં આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને અમારી આલમના મિત્રો, વાંચકો અને દર્શકો વધાવી લેશે તેવી આશા છે.


